ઉચ્ચ ગુણવત્તાયુક્ત અભ્યાસના ધ્યેય સાથે શરૂ થયેલ ચરોતર એજ્યુકેશન સોસાયટીની સો (૧૦૦) વર્ષની યાત્રા આજે પણ એજ ઉત્સાહ અને ખંતથી ચાલી રહી છે અને આવનારા સમયમાં પણ ચાલતી રહેશે. સો વર્ષની આ યાત્રાની ઉજવણીના ભાગરૂપે “ શતકોત્સવ ” પર્વમાં શૈક્ષણિક, રમત-ગમત,સ્વસ્થ, સામાજીક, ઉત્સવ, મેળા વગેરે જેવી શ્રેણીઓમાં વિવિધ સો(૧૦૦) કાર્યક્રમોનું અદભુત આયોજન કરવામાં આવ્યું. અપ્રિલ ૨૦૧૫ થી અપ્રિલ ૨૦૧૬ દરમ્યાન ઉજવાયેલ આ કાર્યક્રમોનો હેતુ વિદ્યાર્થીઓનો સર્જનાત્મક, ભાવનાત્મક, બુદ્ધિમત તથા આધ્યાત્મિક આંક ઉચો લાવવાનો રહ્યો.
આ કાર્યક્રમો દરમ્યાન ચરોતર એજ્યુકેશન સોસાયટીએ આઠ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા, જે શિક્ષણ જગત માટે સીમાચિહ્નનરૂપ ધટના બની રહી છે. મહેંદી, ક્વીઝ, સુડોકુ, કાઈટ મોઝેઈક, માનવ ગણિત સમીકર, સહી ઝુંબેશ, માનવ સાંકળ તથા ટી-શર્ટ સહી અભિયાન જેવા વર્લ્ડ રેકોર્ડ્સ વિદ્યાર્થીઓ તથા સ્ટાફના સંયુક્ત પ્રયાસો દ્વારા રચવામાં આવ્યા. પર્યાવરણ બચાવવાના ઉદ્દાત ઉદ્દેશમાં યુનાઇટેડ નેશન્સ પણ ચરોતર એજ્યુકેશન સોસાયટીની સાથે જોડાયું.